ક્ષાત્રતેજના સાક્ષાત પ્રતીક ભગવાન પરશુરામ
પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજના દિવસે પરશુરામ જયંતી છે. આ ઉપલક્ષ્યમાં ભગવાન પરશુરામ સાથે સંબંધિત જાણકારી પ્રસ્તુત કરી રહ્યા છીએ. ભગવાન પરશુરામની કથાઓ રામાયણ, મહાભારત અને અન્ય પુરાણોમાં મળી આવે છે. પહેલાંના અવતારોની જેમ તેમના નામનું સ્વતંત્ર પુરાણ નથી.
મૂર્તિ
ભીમકાય દેહ, મસ્તક પર જટાભાર, ખભા પર ધનુષ્ય અને હાથમાં પરશુ, પરશુરામની મૂર્તિ એવી હોય છે.
વર્ણન
अग्रतः चतुरो वेदाः पृष्ठतः सशरं धनुः ।
इदं ब्राह्मं इदं क्षात्रं शापादपि शरादपि ॥
અર્થ : ચાર વેદ મૌખિક છે અર્થાત્ પૂર્ણ જ્ઞાન છે અને પીઠ પર ધનુષ્ય-બાણ છે અર્થાત્ શૌર્ય છે. અહીં બ્રાહ્મતેજ અને ક્ષાત્રતેજ- બન્ને છે. જે કોઈ તેમનો વિરોધ કરશે – તેને તેઓ શ્રાપ આપીને અથવા બાણ દ્વારા તેમનો પરાભવ કરશે.
સાત ચિરંજીવીઓમાંથી એક
પરશુરામ સાત ચિરંજીવીઓમાંથી એક છે.
શિવજી દ્વારા પરશુરામના યુદ્ધ કૌશલ્યની પરીક્ષા
જ્યારે ભગવાન પરશુરામ શંકરજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને પ્રસ્થાન કરી રહ્યા હતા, ત્યારે તેમણે પરશુરામજીની પરીક્ષા લેવા માટે તેમને યુદ્ધનું આવાહન કર્યું. ગુરુદેવ શંકરજી અને શિષ્ય પરશુરામ વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું. આ ભયંકર દ્વંદ્વયુદ્ધ સળંગ ૨૧ દિવસો સુધી ચાલ્યું. શંકરજીના ત્રિશૂળના વારથી બચતી સમયે ભગવાન પરશુરામે આવેશમાં આવીને પરશૂનો પ્રહાર કર્યો. તે સમયે તે બરાબર શંકરજીના માથા પર લાગ્યો. શિષ્યના આ અદભૂત યુદ્ધકૌશલ્યથી શંકરજી પ્રસન્ન થયા. તેમણે પરશુરામજીને હૃદયસરસાં ચાંપી દીધા. શિષ્યની કીર્તિ પર આંચ ન આવે તે માટે ભગવાન શંકરે પરશૂના વારનો પ્રહાર અલંકારની જેમ ધારણ કરી લીધો.
વિશિષ્ટતાઓ
૧. અધર્મી ક્ષત્રિયોનો વધ
પરશુરામે બધા જ ક્ષત્રિયોઓનો સંહાર કરવાને બદલે- કેવળ દુષ્ટ-દુર્જન ક્ષત્રિય રાજાઓનો સંહાર કર્યો.
રાજા કાર્તવીર્ય જમદગ્નિ ઋષિના આશ્રમમાંથી કામધેનુ અને તેના વાછરડાને ચોરી જાય છે. તે સમયે પરશુરામજી ત્યાં નહોતા. પાછા ફર્યા ત્યારે તેમને ખબર પડી- તેમણે તરત જ કાર્તવીર્યના વધની પ્રતિજ્ઞા કરી. નર્મદાને કિનારે બન્નેમાં દ્વંદ્વયુદ્ધ થયું. પરશુરામજીએ તેને મારી નાખ્યો. ત્યાર પછી તેઓ પોતાના પિતાજીની આજ્ઞા અનુસાર તીર્થયાત્રા અને તપશ્ચર્યા કરવા માટે નીકળી પડ્યા. પરશુરામજી ગયા પછી કાર્તવીર્યના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે હૈહયએ જમદગ્નિ ઋષિનું માથું ધડથી જુદું કરી દીધું અને તેમની હત્યા કરી દીધી.
આ સમાચાર મળ્યા કે તરત જ પરશુરામજી આશ્રમમાં પહોંચ્યા. જમદગ્નિના શરીર પર ૨૧ ઘા જોઈને તેમણે તે જ ક્ષણે પ્રતિજ્ઞા કરી કે ‘હૈહય અને અન્ય ક્ષત્રિયધર્મીઓ દ્વારા કરવામાં આવેલી બ્રહ્મહત્યા માટે દંડસ્વરૂપ પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિયરહિત કરીશ.’ આ પ્રતિજ્ઞા અનુસાર તેઓ ઉન્મત્ત ક્ષત્રિયોનો નાશ કરીને, યુદ્ધની સમાપ્તિ પછી મહેંદ્ર પર્વત પર ચાલ્યા જતા હતા. ફરી જ્યારે ક્ષત્રિય અત્યાચાર કરવા લાગતા – ત્યારે ફરીથી તેમનો નાશ કરતા. આવી રીતે તેમણે એકવીસ વાર કર્યું. સમંતપંચક (કુરુક્ષેત્રનું એક સ્થાન) પર અંતિમ યુદ્ધ કરીને તેમણે પોતાના રક્તરંજિત પરશુને ધોઈને શસ્ત્ર નીચે મૂકી દીધું.
૨. ક્ષેત્રપાળ દેવતાઓનાં સ્થાન પ્રસ્થાપિત કરવા
એકવીસ વાર પૃથ્વીની પરિક્રમા કરતી વેળાએ પરશુરામજીએ ૧૦૮ શક્તિપીઠોના, તીર્થક્ષેત્રોના અર્થાત્ ક્ષેત્રપાળ દેવતાઓનાં સ્થાન પ્રસ્થાપિત કર્યા. સદર શક્તિપીઠો અને સ્થાનોની જાણકારી આ પહેલાં પણ ઋષિ-મુનિઓને હતી, પરંતુ તેમણે ત્યાં પીઠોની અથવા મંદિરોની સ્થાપના કરી નહોતી.
૩. ધનુર્વિદ્યાના સર્વોત્તમ શિક્ષક
એક વાર શસ્ત્ર નીચે રાખ્યા પછી પરશુરામજીએ ક્ષત્રિયો સાથે વેરભાવ છોડી દીધો અને બ્રાહ્મણ- ક્ષત્રિય સહુકોઈને અસ્ત્રવિદ્યા શીખવવાનું ચાલુ કર્યું. મહાભારતના ભીષ્માચાર્ય- દ્રોણાચાર્ય જેવા જ્યેષ્ઠ યોદ્ધા પરશુરામજીનાં જ શિષ્ય હતા.
૪. દાનવીર
પરશુરામજીએ ક્ષત્રિય વધ માટે જે યુદ્ધ કર્યા. તેના દ્વારા તેમને સંપૂર્ણ પૃથ્વી પર સ્વામિત્વ પ્રાપ્ત થઈ ગયું હતું. તેથી તેમને અશ્વમેધ યજ્ઞનો પણ અધિકાર પ્રાપ્ત થઈ ગયો હતો. ત્યારે તેમણે સર્વ તીર્થસ્થાનોમાં સ્નાન કરીને પૃથ્વીની ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને અશ્વમેધ યજ્ઞ કર્યો. આ યજ્ઞની સુવર્ણ વેદી દસ વાવ (માપવા માટે પ્રાચીન કાલીન પરિમાણ જે પાંચ હાથ અથવા છ ફૂટ લાંબુ હોય છે.) પહોળી અને નવ વાવ ઊંચી હતી. અંતમાં આ યજ્ઞના અધ્વર્યુ (યજ્ઞને સંપાદન કરનારા) કશ્યપઋષિને પરશુરામજીએ સર્વ ભૂમિ દાન કરી દીધી.
૫. ભૂમિનું નવનિર્માણ
મહર્ષિ કશ્યપ આ વાત જાણતા હતા કે જો પરશુરામજી આ ભૂમિ પર રહેશે તો ક્ષત્રિય કુળનો ઉત્કર્ષ નહીં થાય, તેથી તેમણે પરશુરામજીને કહ્યું – ‘હવે આ ભૂમિ પર મારો અધિકાર છે, તમે અહીં ન રહી શકો’. ત્યારે પરશુરામજીએ સમુદ્રને ખસેડીને પોતાનું ક્ષેત્ર નિર્માણ કર્યું. વૈતરણાથી ક્નયાકુમારી સુધીના ભૂખંડને પરશુરામક્ષેત્રની સંજ્ઞા આપવામાં આવી છે.