હોળી

પ્રસ્તાવના

શ્રીવિષ્ણુ તત્ત્વને પ્રગટ કરવા માટે, સ્વપ્નદૃષ્ટાંત દ્વારા મળેલી પ્રેરણાથી ઋષિમુનિઓ દ્વારા સૌથી પહેલા ત્રેતાયુગમાં કરવામાં આવેલો મહાયજ્ઞ એટલે હોળી.આ વર્ષે હોલિકા દહન ફાગણ સુદ ચૌદસ/ફાગણ પૂર્ણિમા, ધુળેટી-ધુલિવંદન ફાગણ વદ પક્ષ ૧  તેમજ રંગપંચમી ફાગણ વદ પક્ષ પાંચમના દિવસે છે. આ નિમિત્તે પ્રસ્તુત કરી રહ્યા છીએ, હોળી વિશેની શાસ્ત્રીય માહિતી.

હોલિકોત્સવ પ્રદેશને અનુસરીને ફાગણ માસની પૂર્ણિમાથી પાંચમ સુધી પાંચ-છ દિવસોમાં, ક્યાંક બે દિવસ, તો ક્યાંક પાંચેય દિવસ હોળી ઊજવવામાં આવે છે.

 

હોળી ઊજવવાની શાસ્ત્રોક્ત પદ્ધતિ

કૃતિ

કોઈ દેવાલયની સામે અથવા સુવિધાજનક સ્થાન પર સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. વચ્ચે એરંડ, તાડ, સોપારી અથવા તો શેરડીનો સાંઠો ઊભો કરવામાં આવે છે. તેની ચારેતરફ છાણાં અને લાકડાની રચના કરવામાં આવે છે. પહેલાં તો યજમાને શુચિભૂત થઈને, દેશકાળનું ઉચ્ચારણ કરીને સંકલ્પ કરવો. -‘सकुटुम्बस्य मम ढुण्ढाराक्षसीप्रीत्यर्थं तत्पीडापरिहारार्थं होलिकापूजनमहं करिष्ये ।’ત્યાર પછી ‘શ્રી હોલિકાયૈ નમ:’ મંત્ર બોલતા બોલતા હોળી પ્રગટાવવી. હોળી પ્રગટે એટલે તેની ફરતે પ્રદક્ષિણા કરવી અને ડાબા હાથે શંખધ્વનિ કરવો. હોળી સંપૂર્ણ પ્રગટ થઈ ગયા પછી દૂધ અને ઘી છાંટીને તેને શાંત કરવી અને ભેગા થયેલા લોકોને શ્રીફળ, પપનસ આદિ ફળો આપવા. બીજે દિવસે સવારે હોળીની રાખને વંદન કરવું. આ રક્ષા શરીરને લગાડીને સ્નાન કરવું, જેણે કરીને આધિ-વ્યાધિની પીડા નથી થતી. (આધિ એટલે માનસિક વ્યથા અથવા ચિંતા અને વ્યાધિ એટલે શારીરિક રોગ.)

રંગપાંચમ

ફાગણ વદ પાંચમને દિવસે રંગપાંચમ ઊજવવામાં આવે છે. (આજકાલ અનેક ઠેકાણે હોળીના બીજા દિવસે રંગપાંચમ ઊજવવામાં આવે છે.) આ દિવસે ગુલાલ, રંગબેરંગી પાણી ઇત્યાદિ અન્યો પર છાંટવામાં આવે છે.
ત્રેતાયુગ સુધી આ ઉત્સવને કોઈ વિશેષ મહત્ત્વ નહોતું. દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા રંગપાંચમ ઊજવવામાં આવી, ત્યારથી તેને મહત્ત્વ પ્રાપ્ત થયું. પ્રત્યક્ષમાં ઈશ્વરે ઊજવેલો આ એકમાત્ર ઉત્સવ છે.

ગુલાલ લગાડવો

આજ્ઞાચક્ર પર ગુલાલ લગાડવો, એટલે શિવજીને શક્તિતત્ત્વનું ઉમેરણ આપવાન પ્રતીક છે. ગુલાલના પ્રભા વથ દેહ સાત્ત્વિક લહેરોને ગ્રહણ કરી શકે છે. આજ્ઞાચક્ર દ્વારા ગ્રહણ કરવામાં આવેલું શક્તિરૂપી ચૈતન્ય સંપૂર્ણ દેહમાં સંક્રમિત થાય છે.

 

રંગપાંચમ ઊજવવાની પદ્ધતિ તેમજ તેનું પાયાભૂત શાસ્ત્ર

‘વાયુમંડળમાં રંગ ઉડાડીને આપણે ‘દેવતાઓને સદર રંગોના માધ્યમ દ્વારા બોલાવી રહ્યા છીએ’, એવો ભાવ રાખીને આપણે દેવતાઓનું સ્વાગત કરીએ છીએ. ભગવાનનાં ચરણોમાં નતમસ્તક થવું, આ રંમપાંચમનો ઉદ્દેશ છે.આ દિવસે રમવામાં આવતી રંગપાંચમ, દેવતાઓનાં આશીર્વાદરૂપી કાર્યનું પ્રતીક છે. આ દિવસે વાયુમંડળમાં ઉડાડવામાં આવતાં વિવિધ રંગકણોની દિશામાં જુદા જુદા દેવતાઓનાં તત્ત્વો આકર્ષિત થાય છે અને જીવને તેનો લાભ થાય છે.રંગપાંચમને દિવસે રંગોનું વિશેષ મહત્ત્વ હોય છે. તે દિવસે બને ત્યાં સુધી, નૈસર્ગિક રંગો ઉપયોગમાં લેવા. અન્ય દિવસોની તુલનામાં રંગપાંચમના દિવસે રંગોના માધ્યમ દ્વારા પાંચ ટકા વધારે સાત્ત્વિકતા પ્રક્ષેપિત થાય છે તેથી રંગ લગાડવાથી જીવની સાત્ત્વિકતા વધે છે.

ધુલિવંદન

ફાગણ વદ એકમના દિવસે ધુલિવંદન (ધુળેટી) ઊજવવામાં આવે છે. હોલિકોત્સવમાં થનારા અનાચાર રોકવા એ આપણું ધર્મકર્તવ્ય છે ! હોળીને તહેવારના રૂપમાં ઊજવીને સાત્ત્વિક આનંદ મેળવો !કોઈ ધાર્મિક સમારોહમાં, તેને આયોજિત કરનારા અને તેમાં સહભાગી થનારા લોકોને જો હર્ષ, આનંદ અને મન:શાંતિનો અનુભવ થાય, તો તેને ઉત્સવ કહે છે.’ પણ વર્તમાનકાળમાં ઉત્સવોનું સ્વરૂપ વિકૃત બનતું જાય છે. હોળીની જ વાત કરીએ, તો વર્તમાનકાળમાં

૧. પથિકો પાસેથી તેમજ વાહન ચાલકોને રોકીને બળજબરાઈથી ગોઠ ઉઘરાવવી

૨. હોલિકાની બાજુમાં દારૂ અથવા ભાંગ પીને અશ્લીલ નૃત્ય કરવું

૩. એકબીજા પર કાદવ ફેંકવો

૪. પાણીના ફુગ્ગા મારવા

૫. યુવતીઓ સાથે ઠઠ્ઠા-મશ્કરી કરવી તેમ જ તેમની સાથે અસભ્યતાથી વર્તવું

૬. દેવી-દેવતાઓનાં મહોરાં પહેરીને પૈસા માગવા

૭. પાણીનો બગાડ કરવો

આના જેવા અનાચારો સામાન્ય થવા લાગ્યા છે. તેના દ્વારા ધર્મહાની તો થાય છે જ, સાથે જ સામાન્ય નાગરિકો તહેવારોના મૂળ ઉદ્દેશથી અર્થાત્ ધર્મથી પણ દૂર જતાં રહે છે. આ અનાચારોને મૂક સંમતિ આપવી અથવા તે સહન કરવું, આ પણ ધર્મહાની થવા માટે ઉત્તરદાયી હોવા જેવું જ છે. આવા અનાચારોને રોકવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. આ પ્રયત્નોનો અર્થ છે, ધર્મકર્તવ્ય નિભાવવું. ધાર્મિક તહેવારોની પવિત્રતા નિત્ય જળવાઈ રહે, તહેવારો ઊજવતી વેળાએ તેમાં અશ્લીલ અથવા અસભ્ય વ્યવહાર ન થાય, સહુ કોઈને આનંદ મળે, આપણાં તહેવારો પ્રત્યે ગર્વ લાગે, તેના માટે પ્રયત્નો કરવા, આ એક ધર્મસેવા જ છે. જે ધર્મનું રક્ષણ કરે છે, તેનું રક્ષણ ધર્મ (ઈશ્વર) કરે છે. તેથી હિંદુઓએ સંગઠિત થઈને પ્રયત્નો કરવા પડશે. સનાતન સંસ્થા આ સંદર્ભમાં જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે.

 સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’