દત્તજયંતી

માગસર પૂર્ણિમાને દિવસે દત્તાત્રેય ભગવાનનું તત્ત્વ, અન્ય દિવસોની તુલનામાં, એક સહસ્ર ગણું કાર્યરત હોય છે. પિતરોના કષ્ટ સામે મુક્તિ પ્રદાન કરનારા શ્રી દત્તાત્રેય દેવતાનો આ દિવસે વધારેમાં વધારે નામજપ અને ઉપાસના કરવાથી તેમના તત્ત્વનો લાભ વધારે મળે છે.

 

દત્તાત્રેય ભગવાને કરેલા ચોવીસ ગુણગુરુ

દત્તાત્રેય (દત્ત) ભગવાને ચોવીસ ગુણગુરુ અને અનેક ઉપગુરુ કર્યા હતા. અધ્યાત્મનું એક તત્ત્વ છે -‘એકજ ગુરુ પર શ્રદ્ધા રાખવી’ એમ હોવા છતાં દત્તાત્રેય ભગવાને આટલા ગુરુ શા માટે ધારણ કર્યા ? દત્તાત્રેય દેવતા દ્વારા ધારણ કરવામાં આવેલા ગુરુ ‘ગુરુ-શિષ્ય’ સંબંધની દૃષ્ટિએ નહીં; જ્યારે તેઓ ‘ગુણગુરુ’ હતા. ખરું જોતાં વિશ્વમાં પ્રત્યેક વિષય-વસ્તુ ગુરુ જ છે; એટલા માટે કે અનિષ્ટ વાતો આપણને શીખવે છે કે કયા દુર્ગુણોનો ત્યાગ કરવો જોઈએ તેમજ સારી બાબતો દ્વારા શીખીએ છીએ કે કયા સદગુણો અપનાવવાના છે. તેથી જીવનમાં વિવિધ ગુણગુરુ હોવા અત્યંત આવશ્યક છે.

 

દત્તભગવાનનાં નામજપનું મહત્ત્વ અને ઉદ્દેશ શું છે ?

વિશિષ્ટ ઉદ્દેશ માટે વિશિષ્ટ દેવતાનો નામજપ કરવાનું લાભદાયક હોય છે; ઉદા. પ્રાણશક્તિ વધારવા માટે શ્રીગણેશજીનો નામજપ. પૂર્વજોની અતૃપ્તિને કારણે થતાં ત્રાસ સામે રક્ષણ થવા માટે દત્તાત્રેય ભગવાનનો નામજપ આવશ્યક છે. આ વિશે હવે આપણે વિગતવાર સમજી લઈએ.

 

પિતરોની અતૃપ્તિને કારણે થનારા ત્રાસ
(પૂર્વજદોષ)થી મુક્ત થવાના હેતુથી શ્રી દત્તાત્રેય દેવતાની ઉપાસના કરો.

‘ૐ શ્રી ગુરુદેવ દત્ત’ નો જપ શા માટે અને કેટલો કરવો ?

વર્તમાન કાળમાં મોટાભાગની વ્યક્તિઓ સાધના કરતી નથી. આવી વ્યક્તિઓની કામનાઓ, વાસનાઓ (ઉદા. કુટુંબની વ્યક્તિને મદ્યપાન-સિગારેટનું વ્યસન હોવું), એ મૃત્યુ પછી પણ અતૃપ્ત જ હોય છે. હમણાંના સમયમાં મોટાભાગના લોકો પૂર્વજો માટે શ્રાદ્ધ-પિંડદાન પણ નિયમિતરૂપે આપતા નથી. તેને કારણે પૂર્વજોની અતૃપ્તિથી તેમના કુટુંબીજનો ને ત્રાસ થાય છે.

વિવાહ ન થવા, પતિ-પત્ની વચ્ચે અણબનાવ, ગર્ભધારણા ન થવી, ગર્ભપાત, બાળકોનું નાનપણમાં જ મોત નિપજવું, મતિમંદ અથવા વિકલાંગ સંતાન પેદા થવું, વંશવૃદ્ધિમાં બાધા, સતત ત્રાસદાયક સ્વપ્ન આવવા, માનસિક વ્યાધિ, વ્યસન વગેરેની સમસ્યાઓ, આ સર્વ પૂર્વજોની અતૃપ્તિને કારણે થનારાં સંભાવ્ય ત્રાસનાં કેટલાંક ઉદાહરણો છે. દરિદ્રતા, લાંબો સમય ચાલતી શારીરિક બીમારી અથવા અસાધ્ય રોગ, આ પ્રકારના લક્ષણો પણ હોઈ શકે છે.

આ ત્રાસનું નિવારણ કરવા માટે, તેમ જ ભવિષ્યમાં પણ તે ન થાય એ માટે ઉપાય તરીકે ત્રાસની તીવ્રતા અનુસાર ‘ૐ શ્રી ગુરુદેવ દત્ત’નો જપ દરરોજ ઓછામાં ઓછો ૧ કલાક (૧૨ માળા) અને અધિકમાં અધિક ૬ કલાક (૭૨ માળા) કરવાથી આ ત્રાસ સામે રક્ષણ થાય છે.

 

દત્તાત્રેય ભગવાનની ઉપાસનાનું આધારભૂત શાસ્ત્ર

દત્તજયંતીનો ઉત્સવ સર્વ દત્તક્ષેત્રોમાં ઊજવે છે. દત્તજયંતી ઊજવવા બાબતે શાસ્ત્રોક્ત વિશિષ્ટ વિધિ પ્રચલિત નથી. આ ઉત્સવ પહેલાં સાત દિવસ ગુરુચરિત્રનું પારાયણ કરવાનો પ્રઘાત છે. તેને ગુરુચરિત્ર સપ્તાહ કહે છે. ભજન, પૂજન અને ખાસ કરીને કીર્તન ઇત્યાદિ ભક્તિના પ્રચલિત પ્રકાર છે. મહારાષ્ટ્રમાં ઔદુંબર, નૃસિંહવાડી, ગાણગાપૂર ઇત્યાદિ દત્તક્ષેત્રોમાં આ ઉત્સવનું ખાસ મહત્ત્વ છે.

કેટલાંક બ્રાહ્મણ પરિવારોમાં આ ઉત્સવ નિમિત્તે દત્ત નવરાત્રિનું પાલન કરવામાં આવે છે તથા તેનો આરંભ માગશર સુદ આઠમથી થાય છે. દત્તભક્તો પોતાના પરમ શ્રદ્ધેય દત્તાત્રેય ભગવાનની ઉપાસના વિવિધ પ્રકારે કરતા હોય છે. પૂજાપાઠ, આરતી જેવી ઉપાસના કરતાં અધિક શ્રેષ્ઠ તેમ જ દત્તાત્રેય ભગવાન સાથે અખંડ અનુસંધાન સાધ્ય કરી આપનારી એકમાત્ર ઉપાસના છે, તેમનો નામજપ.. કળિયુગમાં નામજપ આ સર્વોત્તમ સાધના છે. અનેક સંતોએ પણ કહ્યું છે કે, નામજપ સિવાય અન્ય કોઈ પર્યાય નથી.

આપણામાંના ઘણાંખરાં લોકોને દત્તભગવાન વિશે થોડીઘણી જાણકારી હોય છે. ઓછી જાણકારી હોવાથી દત્તભગવાન પર આપણો વિશ્વાસ પણ થોડોઘણો જ હોય છે. જો વધારે જાણકારી મળે, તો દેવતા પ્રત્યે વધારે વિશ્વાસ નિર્માણ થવામાં સહાયતા મળે છે અને સાધના પણ સારી રીતે થઈ શકે છે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અહીં દત્ત ભગવાનની જે બીજે ક્યાંયે ઉપલબ્ધ નથી તેવી; પણ ઉપયુક્ત એવી અધ્યાત્મશાસ્ત્રીય જાણકારી આપવામાં આવી છે.

 

દત્તભગવાનની ઉપાસના કઈ રીતે કરવી ?

૧. દત્તાત્રેયપૂજન વિધિમાં તેમને ટચલી આંગળીની પાસેની આંગળી ‘અનામિકા’થી તિલક કરવું. હળદર-કંકુ ચડાવતી વેળાએ પહેલાં હળદર અને પછી કંકુ જમણા હાથનાં અંગૂઠો અને અનામિકામાં ચપટીભર લઈને તેમનાં ચરણોમાં ચડાવવું. પૂજા કરતાં પહેલાં પાછલા દિવસનું નિર્માલ્ય (પહેલાના વાસી ફૂલ) કાઢતી વેળાએ પણ અંગૂઠો અને અનામિકાનો જ ઉપયોગ કરવો. અંગૂઠો અને અનામિકા જોડવાથી તૈયાર થતી મુદ્રાને કારણે શરીરમાં અનાહતચક્ર જાગૃત થાય છે અને તેથી ભક્તિભાવ વધે છે.

૨. વિશિષ્ટ ફૂલોમાં વિશિષ્ટ દેવતાનું તત્ત્વ આકર્ષિત કરવાની ક્ષમતા અન્ય ફૂલોની તુલનામાં વધારે હોય છે. ગુલછડીનાં ફૂલોમાં દત્તાત્રેય ભગવાનનું તત્ત્વ આકર્ષિત કરવાની ક્ષમતા સૌથી વધારે હોવાથી તેમને આ ફૂલો ચઢાવવાથી દત્તતત્ત્વનો અધિક લાભ મળે છે. દેવતાનાં ચરણોમાં ફૂલો વિશિષ્ટ સંખ્યામાં અને વિશિષ્ટ આકારરચનામાંચઢાવવાથી ફૂલો તરફ તે દેવતાનું તત્ત્વ વહેલાં આકર્ષિત થાય છે. તેથી દત્તભગવાનને સાત અથવા સાતગણાં ચતુષ્કોણ આકારમાં (સક્કરપારાનાં આકારમાં) ફૂલો ચઢાવવા.

૩. દત્તભગવાનની પૂજાનો આરંભ કરતાં પહેલાં ટચલી આંગળીની પાસેની આંગળી એટલે ‘અનામિકા’થી પોતાના કપાળ પર વિષ્ણુગવાનની જેમ બે રેખા ધરાવતું ઊભુ તિલક કરવું. આ રીતે તિલક કરવાથી દત્તતત્ત્વનો લાભ વધારે મળે છે. તે સાથે જ તિલકની સાત્ત્વિકતાને કારણે ભાવજાગૃતિ થાય છે અને પૂજામાં મળનારું ચૈતન્ય પણ વધારે ગ્રહણ કરી શકાય છે.

૪. વિશિષ્ટ દેવતાનું તત્ત્વ વિશિષ્ટ સુગંધ તરફ આકર્ષિત થાય છે. ચંદન, કેવડા, અંબર અને હિનાનાં ગંધ તરફ દત્તતત્ત્વ તરત જ આકર્ષિત થાય છે. તેથી દત્તાત્રેય ભગવાનની પૂજાવિધિમાં સુગંધિત ઉદ્દબત્તીઓનો ઉપયોગ કરવાથી દત્તતત્ત્વનો લાભ વધારે મળે છે. દત્તભગવાનની સાથે જ સર્વ દેવતાઓની કેટલી ઉદબત્તીથી પૂજા કરવી જોઈએ, તેનું શાસ્ત્ર આ પ્રમાણે છે – એક અદ્વૈતનું પ્રતીક છે અને બે દ્વૈતનું પ્રતીક છે. પ્રાથમિક સ્તર પર રહેલો ઉપાસક દેવતા અને પોતાને જુદા-જુદા હોવાનું અનુભવે છે. તેને દ્વૈતની સ્થિતિ કહે છે. તેથી પૂજામાં તેણે બે ઉદ્દબત્તીઓ લગાડવી જોઈએ. ભક્તિના આગળનાં સોપાનમાં પૂજકે એક ઉદ્દબત્તીનો ઉપયોગ કરવો જોઈએ. દેવતાની આરતી ઉતારતી વેળાએ ઉદ્દબત્તી જમણા હાથની તર્જની અને અંગૂઠામાં પકડીને દક્ષિણાવર્ત (ઘડિયાળનાં કાટાની દિશામાં) ત્રણવાર ઉતારવી.

 

શ્રી દત્તભગવાનનું સાધનાની દૃષ્ટિએ શું મહત્ત્વ છે ?

હિંદુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓ છે. તેમાંથી ગુરુસ્વરૂપે પૂજાય છે, એકમાત્ર દત્તભગવાન. તેથી શ્રી ગુરુદેવ દત્તનો જયઘોષ કરવામાં આવે છે. દત્તાત્રેય ભગવાન ગુરુતત્ત્વનાં આદર્શ અને યોગનાં ઉપદેષ્ટા છે. દત્તભગવાનનાં યદુ, સહસ્રાર્જુન, પરશુરામ ઇત્યાદિ શિષ્ય પ્રસિદ્ધ છે. દત્તભગવાનનાં ગુરુરૂપને કારણે શૈવ અને વૈષ્ણવ, બન્ને સંપ્રદાયના લોકોને આ ભગવાન પોતાના લાગે છે. દત્તાત્રેય દેવતા ગુરુતત્ત્વનું કાર્ય કરે છે, તેથી સમસ્ત લોકો જ્યાં સુધી મોક્ષ નહીં પામે, ત્યાં સુધી તેમનું કાર્ય ચાલુ જ રહે છે.

 

વૈવાહિક સમસ્યાઓ અને વ્યસનમુક્તિ માટે દત્તાત્રેય ભગવાનનો જપ કરવો !

વિવાહ ન થવા, પતિ-પત્નીમાં અણબનાવ, ગર્ભધારણા ન થવી, ગર્ભપાત, સંતાન મંદબુદ્ધિ અથવા વિકલાંગ નીપજવું, માત્ર ક્ન્યાઓ જ જન્મવી (એટલે કે વંશવૃદ્ધિમાં બાધા) ઇત્યાદિ જેવી વૈવાહિક સમસ્યાઓ અને વ્યસનાધીનતા, અતૃપ્ત પૂર્વજોનાં સૂક્ષ્મ-દેહને કારણે થનારા ત્રાસના ઉદાહરણો છે. તેના નિવારણ માટે ત્રાસની તીવ્રતા પ્રમાણે, પ્રતિદિન ૩ થી ૯ માળા ‘ૐ શ્રી ગુરુદેવ દત્ત ’ જપ કરવો.

દત્તજયંતીને દિવસે દત્તાત્રેય ભગવાનનું તત્ત્વ, અન્ય દિવસોની તુલનામાં, એક સહસ્ર ગણું કાર્યરત હોય છે. આ તિથિને દિવસે તેમનો વધારેમાં વધારે નામજપ અને ઉપાસના કરવાથી તેમના તત્ત્વનો લાભ વધારે મળે છે.

દત્તાત્રેય ભગવાનની નામજપ ઇત્યાદિ ઉપાસના કેવી રીતે કરવી જોઈએ ?

અ. પૂર્વજોની અતૃપ્તિને કારણે ત્રાસ મંદ હોય અથવા તો વર્તમાન સમયમાં ત્રાસ ન થઈ રહ્યો હોય, તો ભવિષ્યમાં પણ તે થાય નહીં એટલા માટે ઓછામાં ઓછી ત્રણ માળા ‘ૐ શ્રી ગુરુદેવ દત્ત’નો નામજપ પ્રતિદિન કરવો.

આ. જો મધ્યમ ત્રાસ હોય, તો ‘ૐ શ્રી ગુરુદેવ દત્ત’નો નામજપ ઓછામાં ઓછી છ માળા કરવો. આમાંથી પ્રતિદિન ઓછામાં ઓછો એક-બે માળા નામજપ મંદિરમાં જ બેસીને એક વર્ષ સુધી કરવો. તે સાથે જ દત્તભગવાનનાં મંદિરમાં ગુરુવારે જઈને સાત પ્રદક્ષિણા ફરવી. ત્રાસ ઓછો થયા પછી પ્રતિદિન ત્રણ માળા જપ ચાલુ રાખવો.

ઇ. જો તીવ્ર ત્રાસ હોય, તો ઓછામાં ઓછી નવ માળા ‘ૐ શ્રી ગુરુદેવ દત્ત’નો નામજપ કરવો. કોઈ જ્યોતિર્લિંગનાં સ્થાન પર જઈને આવશ્યકતા અનુસાર ત્રિપિંડી શ્રાદ્ધ, કાલસર્પશાંતિ જેવા વિધિ કરવા. દત્તભગવાનનાં કોઈ ક્ષેત્રમાં રહીને સાધના કરવી અથવા સંતસેવા કરીને તેમનાં આશીર્વાદ મેળવવા. આ છે નિયમિત દત્તભગવાનની નામજપ-સાધના.

ઈ. પિતૃકર્મ કરવા માટે સૌથી ઉત્તમ કાળ છે પિતૃપક્ષ. આ કાલાવધિમાં દત્તનો નામજપ કરવાથી પૂર્વજોને ગતિ મળે છે તેમ જ પૂર્વજો દ્વારા થતાં ત્રાસની સામે પણ રક્ષણ થવામાં અધિક સહાયતા મળે છે. આ હેતુથી પિતૃપક્ષમાં પ્રતિદિન ઓછામાં ઓછો નવ માળા ‘ૐ શ્રી ગુરુદેવ દત્ત’નો નામજપ કરવો.

 

મૃતદેહને સ્મશાનમાં લઈ જતા સમયે સર્વ
લોકોએ દત્તભગવાનનો નામજપ શા માટે કરવો જોઈએ ?

મૃતદેહને સ્મશાનમાં લઈ જતા સમયે સર્વ લોકોએ ‘ૐ શ્રી ગુરુદેવ દત્ત’ આ નામજપ કરવો જોઈએ. પૂર્વજોને ગતિ આપવી, આ દત્તતત્ત્વનું કાર્ય જ હોવાથી દત્તભગવાનનાં નામજપથી અલ્પ કાલાવધિમાં લિંગદેહને, તથા વાતાવરણ કક્ષમાં અટવાયેલા તેનાં અન્ય પૂર્વજોને ગતિ મળે છે.

 

મૃતદેહ સ્મશાનમાં લઈ જતી વેળાએ
નામજપ મનમાં કરવો જોઈએ કે મોટેથી કરવો જોઈએ ?

નામજપ આગળ આપેલા કારણોસર મોટેથી કરવો જોઈએ.

૧. અનિષ્ટ શક્તિઓનાં ત્રાસ ન્યૂન થવા

મૃતદેહમાંથી પ્રક્ષેપિત થતી લહેરો તેનાં સ્થૂળદેહ સાથે સંબંધિત વાસનાયુક્ત સંસ્કારો સાથે સંકળાયેલી હોવાથી મોટા અવાજમાં નામજપ કરવાથી આ સ્થૂળ લહેરોનું ઉચ્ચાટન વધારે પ્રભાવીરૂપથી થાય છે. મોટા અવાજમાં નામજપ કરવાથી નામજપના ધ્વનિનાં સ્થૂળ કંપનો વાયુમંડળમાં પ્રહાર નિર્માણ કરે છે. આ પ્રહારોને કારણે નિર્માણ થયેલી સ્થૂળ ઊર્જાથી વાયુમંડળમાં આવેલી અન્ય કનિષ્ઠ અનિષ્ટ શક્તિઓ દૂર જાય છે, તેમ જ તે મૃતદેહ સાથે સંબંધિત અન્ય પૂર્વજોને પણ દત્ત ધ્વનિનું બાહ્યાત્મક બળ મળીને તેમને પણ લાભ થાય છે.

સામાન્ય રીતે વાસનાયુક્ત લિંગદેહોને ત્રાસ દેવા માટે કનિષ્ઠ, એટલે કે, પૃથ્વી અને આપ આ તત્ત્વો સાથે સંબંધિત અનિષ્ટ શક્તિઓ જ વધારે પ્રમાણમાં આવી હોવાથી તેમના પર મનમાં કરવામાં આવતાં નામજપને બદલે મોટેથી પ્રહારદર્શક ઉચ્ચારણથી કરવામાં આવેલા નામજપનું ઓછા સમયગાળામાં અધિકતમ પરિણામ થાય છે.

૨. લિંગદેહ પર સંસ્કાર થવા

મોટેથી નામજપ કરવાથી લિંગદેહ પર નામજપનો સંસ્કાર થવામાં સહાયતા થાય છે; કારણ કે જો લિંગદેહ સાધના કરનારો ન હોય, તો તેને મનમાં કરેલાં નામજપનાં સ્પંદનો જણાતા નથી.

૩. સહુકોઈએ મોટેથી ‘ૐ શ્રી ગુરુદેવ દત્ત’ આ નામજપ કરવાથી

સહુકોઈનાં મનમાં વ્યાપક ભાવ નિર્માણ થવામાં સહાયતા થઈને વાતાવરણ પર તરત જ પરિણામ થાય છે, આ ઉપરાંત સમષ્ટિ સાધનાનું ફળ મળવામાં સહાયતા થાય છે તેમ જ સહુકોઈ એક સાથે, આવી પડેલા દુ:ખદ પ્રસંગનો સામનો ધીરજ રાખીને કરી શકે છે. તેમ જ અન્ય જીવ પણ આમાંથી સ્ફૂર્તિ લઈને નામસાધના કરવા માંડે છે. આનાથી ઊલટું પોતાની સાધના પ્રમાણે મનમાં નામજપ કરવાથી અધ્યાત્મનો પ્રસાર ન થવાથી અન્ય લોકોને સમષ્ટિ સાધનાનું મહત્ત્વ સમજાતું નથી. મનમાં નામજપ કરવાથી સંકુચિત વૃત્તિ વધવાથી‘ કેવળ હું નામ લઉં છું’, એવો અહમ્ વધે છે; તેથી કોઈપણ કર્મ કરતી વેળાએ બધાયને સાધનાનો દૃષ્ટિકોણ આપીને તેમને પ્રેમથી પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ .

 

દત્ત અને તેમની વસ્તુઓ

વિશ્વમાં રહેલી પ્રત્યેક વસ્તુ ગુરુ જ છે, કારણકે, અનિષ્ટ બાબતો દ્વારા આપણે શીખીએ છીએ કે ક્યા દુર્ગુણ ત્યજવા જોઈએ અને સારી બાબતો દ્વારા શીખીએ છીએ કે, ક્યા સદગુણો ગ્રહણ કરવા જોઈએ. તેથી દત્તભગવાને ૨૪ ગુરુ અને અનેક ઉપગુરુ કર્યા. તેનું એક ઉદાહરણ જોઈએ. દત્તભગવાને વૃક્ષને પોતાના ગુરુ બનાવીને તેની પાસેથી આ પ્રમાણે બોધ લીધો. જે રીતે વૃક્ષ ફૂલો-ફળોનાં ભારથી લદબદ થઈને વધારે નમ્ર બને છે અને વધારે પરોપકાર કરે છે તેવી જ રીતે સંપત્તિ પ્રાપ્ત થવાથી માણસે નમ્ર થઈને પરોપકાર કરવા. દત્તભગવાનની જેમ આપણે પણ વિવિધ ગુણગુરુ કરીને પોતાના દુર્ગુણોનો ભાગાકાર અને સદગુણોનો ગુણાકાર કરીએ, કે જેથી આપણને ઈશ્વરપ્રાપ્તિ વહેલાં થઈ શકે છે.

દત્ત અને તેમની વસ્તુઓનો અર્થ શું છે ?

દત્તાત્રેય દેવતામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રિદેવોનાં તત્ત્વો છે. તેમનાં હાથમાં બ્રહ્મદેવનાં કમંડળ અને જપમાળા છે, વિષ્ણુનાં શંખ અને ચક્ર છે તેમ જ શિવજીનાં ત્રિશૂળ અને ડમરુ છે. આમાંની પ્રત્યેક વસ્તુનો વિશિષ્ટ ભાવાર્થ છે, ઉદા. કમંડળ ત્યાગનું પ્રતીક છે. દત્તગવાનનાં ખભે એક ઝોળી પણ હોય છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. ઝોળી આ મધમાખીનું પ્રતીક છે. જે રીતે મધમાખી જુદા-જુદા સ્થાનો પર જઈને મધ એકઠું કરે છે, તેવી જ રીતે દત્તગવાન ઠેકઠેકાણે ભ્રમણ કરીને ઝોળીમાં ભિક્ષા ભેગી કરે છે. ઠેકઠેકાણે ભિક્ષા માગવાથી અહમ્ વહેલાં ઓછો થાય છે. તેથી ઝોળી, અહમ્ નષ્ટ કરવાનું પ્રતીક છે.

દત્ત અને તેમનાં પરિવારનો અર્થ શું છે ?

દત્તભગવાનની વિશેષતા એમ છે કે, તેઓ ક્યારે પણ એકલા દેખાતા નથી, સપરિવાર જ હોય છે. પરિવારનો આધ્યાત્મિક અર્થ આ પ્રમાણે છે.

દત્તભગવાનની પાછળ જે ગાય છે, તે પૃથ્વી અને કામધેનુનું પ્રતીક છે.

ચાર કૂતરા ચાર વેદોનાં પ્રતીક છે.

ગાય અને કૂતરા, એક રીતે દત્તભગવાનનાં અસ્ત્ર પણ છે. ગાય પોતાના શિંગડાં મારીને અને કૂતરાં કરડીને શત્રુથી રક્ષણ કરે છે.

ઔદુંબર એટલે ઉમરડાનું વૃક્ષ દત્તભગવાનનું પૂજનીય રૂપ છે; કારણકે, તેમાં દત્તતત્ત્વ વધારે હોય છે.

 

અલખ-નિરંજન જયઘોષનો ભાવાર્થ શું છે ?

દત્તભગવાનનો એક પ્રચલિત જયઘોષ છે અલખ નિરંજન. અલખ નિરંજનનો ભાવાર્થ આ પ્રમાણે છે. અંજન એટલે અજ્ઞાન. અજ્ઞાનનું નષ્ટ થવું એટલે નિરંજન; તેથી‘અલખ નિરંજન’ અર્થ છે, જ્ઞાન થવું. લક્ષ એટલે જોવું અથવા જોઈ શકવું. અલક્ષ એટલે જે એટલું ઉજળું, તેજસ્વી છે કે, તેને જોઈ શકાતું નથી. અલક્ષ શબ્દનો અપભ્રશ થયો અલખ. તેથી અલખ નિરંજનનો અર્થ છે, જ્ઞાનનું ચમકતું તેજ, જેને જોઈ શકાતું ન હોવા છતાં પણ તેનો પ્રત્યક્ષમાં સાક્ષાત્કાર થાય છે.

‘દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા’ આ સાધનામંત્રનો ભાવાર્થ

દત્તાત્રેય ભગવાનનો સાધનામંત્ર‘દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા’ વિશેષ પ્રચલિત છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. દિક્ એટલે દિશા અને અંબર એટલે વસ્ત્ર. આના દ્વારા જાણ થાય છે કે, દિગંબરા એટલે કે, દિશાઓ જ જેનું વસ્ત્ર છે, એટલે જ જે સર્વવ્યાપી છે. શ્રી એટલે લક્ષ્મીજી અને લક્ષ્મીજી જેમનાં ચરણોમાં છે તે શ્રીપાદ. ‘શ્રીપાદ વલ્લભ’ એટલે જેમનાં ચરણોમાં લક્ષ્મીજી છે અને જે લક્ષ્મીજીનાં સ્વામી છે એટલે જ શ્રીવિષ્ણુ.

સંદર્ભ : સનાતનનો લઘુગ્રંથ દત્ત
ભગવાન દત્તાત્રેયના ચરણોમાં કોટિ-કોટિ પ્રણામ !