અનંત ચતુર્દશી

તિથિ : ભાદરવો સુદ પક્ષ ચૌદસ

અનંત ચતુર્દશી આ એક કામ્ય (ઇચ્છાપૂર્તિ માટેનું) વ્રત છે. મુખ્યત્વે ગત વૈભવ પાછું મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે. અનંત એટલે શ્રીવિષ્ણુ. અનંતની પૂજા કરવી એટલે શ્રીવિષ્ણુની ક્રિયાશક્તિની લહેરો ગ્રહણ કરીને દેહમાં વિદ્યમાન ક્રિયાશક્તિને કાર્યાન્વિત કરવી. આ તિથિ જો પૂર્ણિમા સાથે આવે, તો વધારે લાભદાયી છે. આ પૂજનમાં શ્રીવિષ્ણુ સહિત યમુનાજી અને શેષનાગની પણ પૂજા કરવામાં આવે છે. આ વ્રતનો કાળ ૧૪ વર્ષનો હોય છે. ત્યારપછી તેનું ઉદ્યાપન કરવામાં આવે છે.

 

પૂજાવિધિ

સંકલ્પ

ગતવૈભવ પ્રાપ્ત થવા માટે સંકલ્પ કરવો

૧. કલશમાં પાણી ભરીને તે યમુનાજીનું જળ છે, તેવો ભાવ રાખીને યમુનાજીનું ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે.

૨. શેષનાગના પ્રતીક સ્વરૂપ દર્ભથી સાત ફેણ ધરાવતા શેષનાગ બનાવીને તેમનું પૂજન કરવામાં આવે છે.

૩. કંકુથી રંગેલા તેમજ ૧૪ ગાંઠ ધરાવતા બે દોરાની સ્થાપના યમુનાજી પાસે કરીને (અનંતના દોરા) તેમનું ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે.

૪. દંપતીમાંથી પુરુષ જમણા બાવડે જ્યારે સ્ત્રી ડાબા બાવડા પર આ દોરા એકબીજાને બાંધે છે.

૫. ૧૪ વર્ષ પછી આ વ્રતનું ઉદ્યાપન કરવું.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’