ભારતી સંવતસરનો અગિયારમો ચંદ્રમાસ અને દસમો સૌરમાસ મહા કહેવાય છે. આ માસમાં સ્નાન, દાન, ઉપવાસ અને ભગવાન માધવની પૂજા અત્યંત ફળદાયી હોય છે. મહામાસની એક વિશિષ્ટતા એવી છે કે આમાં જ્યાં ક્યાંય પણ જળ હોય, તે ગંગાજળ સમાન થઈ જાય છે. આ માસમાં પ્રયાગ, કાશી, નૈમિષારણ્ય, કુરુક્ષેત્ર, હરિદ્વાર તેમજ અન્ય પવિત્ર તીર્થો તેમજ નદીઓમાં સ્નાન કરવાનો અપૂર્વ મહિમા છે. આ વર્ષે મહામાસ ૨૮ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી છે.
મહામાસનાં તહેવારો
સૂર્ય રથસપ્તમી
સૂર્યનારાયણની પૂજા
મહા સુદ પક્ષ સાતમના દિવસે રંગોળી અથવા ચંદનથી પીઠા પર સાત ઘોડાના સૂર્યનારાયણનો રથ, અરુણ સારથી અને રથમાં સૂર્યનારાયણ દોરે છે. ત્યાર પછી સૂર્યનારાયણની પૂજા કરે છે. આંગણામાં લાકડા બાળીને તેના પર નાના વાસણમાં દૂધ ત્યાં સુધી તપાવે છે કે જ્યાં સુધી તેને ઊભરો ન આવે; અર્થાત્ તે અગ્નિને સમર્પિત થાય ત્યાં સુધી રાખે છે. ત્યાર પછી સહુકોઈને પ્રસાદ આપે છે. વ્રતનાં રૂપમાં આ દિવસે મીઠા સિવાયનું એક ટંકનું અન્ન અથવા ફળાહાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત કરનારાઓને સમગ્ર વર્ષ સુધી રવિવાર કરવાનું પુણ્ય મળે છે. આ વર્ષે રથસપ્તમી ૩ ફેબ્રુઆરીના દિવસે છે.
ષટ્તિલા એકાદશી વ્રત
મહામાસની વદ પક્ષ અગિયારસને ષટ્તિલા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે છ રીતે તલના ઉપયોગનું મહત્ત્વ છે. એમ માનવામાં આવે છે કે આ દિવસે તલના જળથી સ્નાન, તલનું ઉટવણું, તલથી હવન, તલમિશ્રિત જળ પીવું, તલ-સાંકળી ખાવી અને તલનું દાન કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે. આ દિવસે કાળા તલ અને કાળી ગાયોનું પણ દાન કરવાનું મહત્ત્વ છે. આ દિવસે શ્રીકૃષ્ણ મંત્રનો જપ વધારેમાં વધારે કરવો જોઈએ. આ વર્ષે ષટ્તિલા એકાદશી ૨૨ ફેબ્રુઆરીના દિવસે છે.
મૌની અમાસ
મહામાસની અમાસ મૌની અમાસના રૂપમાં ઊજવવામાં આવે છે. આ ખાસ તિથિએ મૌન રહીને મુનિઓ પ્રમાણે આચરણપૂર્વક સ્નાન-દાન ઇત્યાદિને અનન્ય મહત્ત્વ છે.મૌની અમાસને દિવસે સ્નાન કરીને તલ, તલના લાડુ, તલનું તેલ, આમળા, વસ્ત્ર ઇત્યાદિનું દાન કરવાનું ખાસ મહત્ત્વ છે. મૌની અમાસને દિવસે સ્નાન-દાન ઇત્યાદિ પુણ્યકર્મો ઉપરાંત પિતૃ-શ્રાદ્ધ ઇત્યાદિ કરવાનું પણ વિધાન છે. એવી માન્યતા છે કે મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં ત્રણ કરોડ દસ હજાર અન્ય તીર્થોનો સમાગમ થાય છે. આ દિવસે પ્રયાગ રાજમાં સ્નાન કરનારો મનુષ્ય પાપોથી મુક્ત થાય છે. આ વર્ષે મૌની અમાસ ૨૬ ફેબ્રુઆરીના દિવસે છે.